કોરોના વાઇરસના કારણે દુનિયાભરની એરલાઈન્સને 113 અબજ ડોલરનો ફટકો
મોનાર્ક અને થોમસ કૂક બાદ હવે બ્રિટિશ એરલાઈન્સ ફ્લાઈબ પણ બંધ થઈ
બેઈજિંગ/તહેરાન/વૉશિંગ્ટન, તા. 5 ફેબ્રુઆરી, 2020, ગુરૂવાર
કોરોનાની ભયાનકતા દિવસે દિવસે વધતી જાય છે ત્યારે ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશને દાવો કર્યો હતો કે દુનિયાભરની એરલાઈન્સને કોરોનાના કારણે 113 અબજ ડોલરનો ફટકો પડશે. હવાઈયાત્રામાં ઘટાડો થયો હોવાથી એરલાઈન્સની દુનિયાભરની સર્વિસ પ્રભાવિત થઈ રહી છે.
એરલાઈન્સને મોટો ફટકો પડી રહ્યો હોવાથી એક પછી એક એરલાઈન્સ તેમની સર્વિસ બંધ કરી રહી છે. અગાઉ મોનાર્ક અને થોમસ કૂક એરલાઈન્સે તેેમની સર્વિસ બંધ કર્યાની જાહેરાત કરી હતી. હવે બ્રિટિશ એરલાઈન્સ ફ્લાઈબ પણ બંધ થઈ ગઈ છે. આ એરલાઈન્સના માધ્યમથી દર વર્ષે આશરે 80 લાખ કરતા વધુ પ્રવાસીઓ મુસાફરી કરતા હતા.
એવો જ ફટકો પેટ્રોલિયમ ઈન્ડસ્ટ્રીને પણ પડયો છે. ઓર્ગેનાઈઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (ઓપેક) સંગઠને સાથી દેશોને દરરોજ 15 લાખ બેરલનું ઉત્પાદન ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
રશિયા સમર્થન આપશે તે સાથે જ ઓપેક દેશો પેટ્રોલિયમના ઉત્પાદનમાં કાપ મૂકશે. કોરોનાના કારણે અસંખ્ય સેક્ટર્સ મંદીમાં સપડાયા છે. એરલાઈન્સથી લઈને ઉદ્યોગ એકમો બંધ થઈ રહ્યા હોવાથી તેની અસર ટ્રાન્સપોર્ટ ઉપર પણ પડી રહી છે. આ બધા જ કારણોસર પેટ્રોલિયમની ડિમાન્ડ ઘટી ગઈ છે.
દરમિયાન કોરોનાનો કેર યથાવત રહ્યો છે. ચીનમાં કુલ મૃત્યુ આંક 3012 થયા છે. ચીન પછી સૌથી વધુ ઈટાલી અને ઈરાનમાં મૃત્યુ થયા છે. ઈરાનમાં કોરોનાથી મૃત્યુ આંક 100ને પાર થયો હતો. ઈટાલીમાં પણ 107નાં મોત થયા હતા. ઈટાલીમાં ઝડપભેર ફેલાઈ રહેલા કોરોનાથી યુરોપમાં ફફડાટ ફેલાયો છે.
અમેરિકામાં 11નાં મોત થયા હતા. સ્વિત્ઝર્લેન્ડમાં કોરોનાએ પ્રવેશ કર્યો હતો અને એકનું મોત થયું હતું. તે સિવાય સાઉથ કોરિયા અને જાપાન જેવા દેશોમાં પણ કોરોનાનો કેર યથાવત રહ્યો હતો.
ચીન સિવાયના દેશોમાં છેલ્લાં 24 કલાકમાં 214નાં મોત થયા હતા અને ચીનની બહાર 24 કલાકમાં 2103 નવા કેસ નોંધાયા હતા. કોરોનાથી અત્યાર સુધીમાં દુનિયાભરમાં 3200 જેટલાં લોકોએ દમ તોડયો છે. કુલ 95,000 લોકો કોરોના વાયરસથી પ્રભાવિત થઈ ચૂક્યા છે.
Comments
Post a Comment